શ્રી ઉદ્ધવ સંપ્રદાયના તત્વવિચારમાં ત્રણ તત્વો અને પાંચ અનાદિ ભેગ સ્વીકાર્ય છે.

 • ૧ – જીવ
 • ૨ – ઈશ્વર(પરમાત્મા)
 • ૩ – માયા

આ ત્રણ જ તત્વો છે.

જીવ :-

જ્ઞાતા, સુક્ષ્મ(અણુ જેવો), ચેતન, અવિનાશી, હૃદયમાં રહેલો, સત્તારૂપ એવો જીવ છે. સર્વ શરીરમાં વ્યાપી રહ્યો છે. ક્ષેત્રજ્ઞ છે. અક્ષરધામના અધિપતિ ભગવાન સિવાયના તમામ ચેતન તત્વો જીવ સંજ્ઞામાં આવે છે. આ જીવ અજન્મા છે. તેની ઉત્પત્તિ, મરણ નથી. તેને અગ્નિ બાળી ન શકે, શસ્ત્ર છેદી ન શકે, જળ કોહવી ન શકે, પવન સુકવી ન શકે. અવિભાજ્ય, અગોચર, અમર, અવિનાશી છે. કર્મો દ્વારા માયામાં બંધાયેલો છે. સંચિત કર્મો ભોગવવા અનેક શરીરો ધારણ કરે છે. પરમાત્માને આધીન છે. ભક્તિ કરીને માયામાંથી મુક્ત થઇ ભગવાનને પામી શકે છે.

જીવના ત્રણ ભેદ છે. ૧-બદ્ધ, ૨-મુક્ત, ૩-નિત્યમુક્ત.

 • બદ્ધ :- માયામાં જકડાયેલો તે બદ્ધજીવ. આઠ આવરણ અને પંચ વિષયથી ઘેરાયેલો છે.
 • મુક્ત :- માયામાં રહેવા છતાં પ્રભુભક્તિ કરતા રહીને વિષયોને આધીન ન હોય તે જીવોને મુક્ત કહે છે.
 • નિત્યમુક્ત :- ભગવાનના અક્ષરધામમાં રહેલા શ્રેષ્ઠ મુકતો જેઓ નિરંતર પ્રભુની સેવામાં જ રહે છે.

જીવના ત્રણ શરીર છે – સ્થૂળ, સુક્ષ્મ અને કારણ.
જીવની ત્રણ અવસ્થા છે – જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ.

ઈશ્વર :-

ઈશ્વર એટલે પરમેશ્વર. જે સર્વના નિયંતા, સર્વના કર્તા થકા અકર્તા, સગુણ છતાં નિર્ગુણ, વ્યાપક છતાં એક, અને અદ્વિતીય, સર્વમાં અંતર્યામી, સ્વતંત્ર, સ્વરાટ, દરેક અવતારોના ધારણ કરનાર, તમામ બદ્ધ-મુમુક્ષુ મુક્ત જીવોના કર્મફળ પ્રદાતા, અન્વય થકા વ્યતિરેક અને પોતાના સમાન કે પોતાથી ઉપર કોઈ નથી એવા પરબ્રહ્મ તત્વને ઈશ્વર કહેવાય છે.

માયા :-

સત્વ, રજ, તમ આ ત્રણ ગુણોવાળી છે, અંધકારરૂપ છે, શ્રીકૃષ્ણભગવાનની શક્તિ છે, જીવને દેહમાં હું પણું એટલે કે અહંકાર અને દેહના સગા-સંબંધી વિગેરે પદાર્થોમાં મમત્વ કરાવનારી છે. અજા છે. જેને મૂળપ્રકૃતિ પણ કહે છે જેના વડે આ જગત ઉદભવે છે. તે માયા શક્તિ છે. એ માયા વડે ૨૪ તત્વોની રચના(ઉત્પત્તિ) થાય છે.

 • પંચભૂત – પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ.
 • પંચ કર્મેન્દ્રિયો – વાક્, પાણિ, પાદ, પાયુ, ઉપસ્થ.
 • પંચ જ્ઞાન ઇન્દ્રિયો – શ્રોત્ર, ત્વક્, ચક્ષુ, રસના, ઘ્રાણ.
 • પંચ પ્રાણ – પ્રાણ, અપાન, સમાન, વ્યાન, ઉદાન.
 • ચાર અંતઃકરણ – મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર.

જીવોના જન્મનું ક્ષેત્ર પણ આ માયા જ છે. હું અને મારું આ બે ભાવના જીવને બદ્ધ બનાવે છે. અભક્તને દુઃખ દેનારી છે. પરંતુ ભગવાનના ભક્તને સુખ દેનારી પણ છે. જે ભગવાનની શરણાગતિ લે છે તે આ માયાને સહજમાં તરી જાય છે. ભગવાને ભગવદ્ગીતામાં કહ્યું છે કે ..

दैवी हयेषा गुणवती मम माया दुरत्यया |
मामेव ये प्रपध्यन्ते मायामेतां तरन्ति ते ||

દુઃખે કરીને પણ ન તરી શકાય એવી ત્રિગુણમયી, ઈશ્વરશક્તિરુપા માયાને જે ભગવાનના શરણે આવે છે તે તરી જાય છે. અર્થાત્ માયાથી બહાર નીકળવા, મુક્તિ કે મોક્ષ પામવા માટે ભગવાનની શરણાગતિ લેવી ફરજિયાત છે.

આવા જીવ, ઈશ્વર અને માયાના સ્વરૂપ છે. આમાં પણ જીવ ના ત્રણ ભેદ છે. ૧-જીવ, ૨-ઈશ્વર, ૩-બ્રહ્મ.

 • જીવ – સામાન્ય જીવ જે માયામાં બદ્ધ છે.
 • ઈશ્વર – બ્રહ્માદિક ઈશ્વરો. જે ભગવાનની આજ્ઞાને આધીન છે અને જગતની ઉત્પત્તિ-વિનાશાદિક ક્રિયાઓને કરે છે.
 • બ્રહ્મ – અક્ષરધામ અને માયાથી મુક્ત બનેલા ધામના અક્ષરમુકતો.

આ રીતે કુલ પાંચ ભેદ છે. – જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ, પરબ્રહ્મ.

બ્રહ્મ તત્વ વિચાર :- બ્રહ્મ એટલે અક્ષરધામ.

આ અક્ષરના બે સ્વરૂપ છે. (૧) સાકાર, (૨) નિરાકાર.

સાકાર સ્વરૂપ ધારીને પુરુષોત્તમ નારાયણની સેવા કરે છે અને નિરાકાર સ્વરૂપ એટલે અક્ષરધામ, ભગવાનને રહેવાનું ઘર, બ્રહ્મપુર, બ્રહ્મમહોલ, ચિદાકાશ કહેવાય છે જે ભગવાન અને મુક્તોને ધરી રહ્યું છે અને અનંતકોટી બ્રહ્માંડો જે ધામના એક એક રુંવાડામાં અણુની પેઠે ઉડતાં રહે છે એવી મોટયપને ધારણ કરી રહેલા છે.

આ અક્ષરબ્રહ્મ સદા સત્ય છે, જ્ઞાન સ્વરૂપ છે, ચેતન છે, અનંત, અપાર, શાશ્વત, શુદ્ધ અને અવિનાશી છે અને સચ્ચિદાનંદ ઘન તેજ:સ્વરૂપ છે. ભગવાને ભગવદગીતામાં કહ્યું છે કે.

न तद्भास्यते सूर्यो न शशांको न पावकः |
यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ||

જેને સુર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ કે અગ્નિના પ્રકાશની જરૂર નથી(છતાં જે સદા પ્રકાશિત રહે છે) અને જેને પામ્યા પછી જીવને માયામાં પુનરાવૃત્તિ નથી કરવી પડતી તે મારું પરમ(શ્રેષ્ઠ) ધામ છે.

પરબ્રહ્મ તત્વ વિચાર :- જેને આગળ ઈશ્વર સંજ્ઞાથી કહ્યા તે જ પરમાત્મા, પરમેશ્વર, વાસુદેવ, વિષ્ણુ, ભગવાનને પરબ્રહ્મ કહેવાય છે. જે પોતાના અક્ષરધામમાં એક જગ્યાએ રહ્યા થકા અનંતકોટી બ્રહ્માંડોમાં જ્યાં જેવી જરૂર હોય ત્યાં તેવું રૂપ ધારણ કરી દર્શન દે છે, વાત કરે છે, અવતાર ધારે છે. જે સર્વ જીવ, માયા, ઈશ્વર અને બ્રહ્મમાં વ્યાપીને રહ્યા છે. તેજોમય છતાં સદા સાકાર સ્વરૂપ છે, સર્વ શક્તિઓથી સંપન્ન અને રાધા-લક્ષ્મીથી સેવાયેલા છે. સર્વજ્ઞ છે, સર્વના અંતર્યામી, સ્વતંત્ર અને સ્વરાટ છે. જે અંતિમ સત્ય અને સત્તા છે, જેની સ્તુતિ ચારેય વેદ કર્યા જ કરે છે, માયિક ઇન્દ્રિયોથી અગોચર છે, જ્ઞાનદ્રષ્ટિ અને દિવ્ય ઇન્દ્રિયોથી જ ગ્રાહ્ય છે. જે જીવ જેવા શુભ-અશુભ કર્મો કરે છે તે જીવને તે તે કર્મના ફળપ્રદાતા છે, અનંતકોટી બ્રહ્માંડોના નિયામક, પ્રકાશક છે. પોતાના બ્રહ્મપુર ધામમાં અનંત મુક્તાત્માઓ જે ભગવાન જેવા રૂપ, ગુણ, ઐશ્વર્યાદિકે યુક્ત હોઈ જેમની પૂજા-સ્તુતિ, દર્શન અને સેવા કરે છે તેમનાથી વીંટળાયેલા છે. જે સર્વ કારણોના પણ કારણ, સર્વ અવતારોના પણ અવતારી કહેવાય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, અહંકાર, મહતત્વ, પ્રકૃત્તિ, પ્રધાન-પુરૂષાદિ ઈશ્વરો, કાલ, ચરાચર પકૃતિ આ બધું જ જેમની આજ્ઞામાં રહે છે જેમની આજ્ઞાથી સૂર્ય પ્રકાશે છે, ચંદ્ર શીતળતા આપે છે, વાયુ વાય છે, અગ્નિ પ્રજવાળે છે, યમરાજા પાપીઓને દંડ દે છે, સમયે સમયે શીત, તાપ અને વર્ષા થાય છે, એ જ ભગવાન જીવોના કલ્યાણ, અધર્મનો ઉચ્છેદ, ધર્મની સ્થાપના વિગેરે કાર્યો દ્વારા શાંતિનું વાતાવરણ બનાવવા બ્રહ્માંડોમાં યુગે યુગે અને વારે વારે અવતાર ધારણ કરે છે તે જ પરબ્રહ્મ એટલે કે અંતિમ સત્ય સ્વરૂપ ભગવાન છે. તે જ ભગવાન શ્રી સ્વામિનારાયણ નામથી પ્રગટ થયા છે.

આજે જ તમારા મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરો

મંત્રજાપ, મંત્રલેખન, દૈનિક દર્શન, દૈનિક સુવિચાર, સત્સંગ રમતો, નિર્ણય, શ્રી રાધાકૃષ્ણદેવ યુવક મંડળ, આચાર્ય પરંપરા તેમજ બીજું પણ ઘણું બધું એક જ એપ્લિકેશનમાં હોય એવી સંપ્રદાયની એકમાત્ર મોબાઈલ એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરો.

App Store Image Play Store Image