શ્રી સ્વામિનારાયણ મંદિર - વઢવાણ ધામ પરિવારમાં આપનું સ્વાગત છે

શ્રી સ્વામિનારાયણ મંદિર વઢવાણધામ સંક્ષિપ્ત પરિચય

સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર એવા ઐતિહાસિક નગર તીર્થધામ વઢવાણ(શ્રી વર્ધમાનપુરી) કે જે અગિયાર અગિયાર વખત શ્રી હરિના ચરણારવિંદથી અંકિત થયેલી તીર્થભૂમિ છે. જ્યાં શંકરાચાર્યજી, મહાવીર સ્વામી, રામાનુજાચાર્યજી, વલ્લભાચાર્યજી, ચૈતન્ય મહાપ્રભુ, રામકૃષ્ણ પરમહંસ, જલારામ બાપા, ભક્ત હરિદાસ, સંત તુલસીદાસ, ગોરખનાથ, રમણ મહર્ષિ, વામદેવજી, સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષોએ પધારીને આ ભૂમિને ઉત્તમ તીર્થ બનાવેલ છે. આવી ઉત્તમ તીર્થભૂમિમાં સંવંત ૧૯૬૧માં પ. પૂ. સનાતન ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્ય સમર્થશ્રી કુંજવિહારીપ્રસાદજી મહારાજશ્રીએ શ્રી સ્વામિનારાયણ મંદિર વઢવાણ ધામની સ્થાપના કરી છે.

શ્રી સ્વામિનારાયણ મંદિર વઢવાણધામ લગભગ છ એકર જમીનમાં ફેલાયેલ વિશાળ અને નયનરમ્ય સંકુલ છે. જેમાં સુંદર અને કલાત્મક કોતરણીથી બનેલ મુખ્ય મંદિર, લાકડામાં સુંદર નકશીકામ કરીને બનાવેલ વિશાળ સભામંડપ અને સંત આશ્રમ, ભવ્ય અને રજવાડી ઠાઠથી બનેલ પ. પૂ. આચાર્ય મહારાજશ્રીનું નિવાસસ્થાન(હવેલી), સુંદર બગીચો, હરિભક્તોના ઉતારા, દેવ-સંતો અને હરિભક્તો માટે રસોડું, ભોજનાલય, કોઠાર વગેરેનો સમાવેશ થાય છે.

પૂર્વાભિમુખ પાંચ શિખર, ૭૬ સ્તંભો તથા ત્રણ શૃંગાર ચોકીએ યુક્ત ભવ્ય અને દિવ્ય મંદિરનું બાંધકામ પ. પૂ. સનાતન ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્ય સમર્થશ્રી કુંજવિહારીપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી તેમની સિધી દેખરેખ નીચે તૈયાર થયેલ છે. જેમાં ધર્મની સાથે સાથે સ્થાપત્ય, વાસ્તુશિલ્પ અને બાંધકામની ઉત્તમ શૈલી દ્રશ્યમાન થાય છે. આ મંદિર પરિસરમાં શોભાયમાન કુંભી, સ્તંભદંડ, મોવડ અને ભરણી, શિરાવત, છદયા, ઉડુંબર-ઉંબરો, બારશાખ, પ્રતિ, ઉત્તરંગ, મંગલ ચિન્હો વગેરે ઉત્તમ પથ્થરમાંથી દિવ્ય કલાકૃતિથી કંડારેલા છે.

આ મંદિરના મુખ્યખંડમાં શ્રીકૃષ્ણ ભગવાન તથા તેમનું અંગ એવા શ્રી રાધિકાજી સાથે શ્રીજી મહારાજનું સ્વસ્વરૂપ પંચધાતુથી બનેલ દર્શનીય સ્વરૂપ શ્રી હરિકૃષ્ણમહારાજ બિરાજમાન છે. તેમની જમણી બાજુ શ્રી બાલસ્વરૂપ ઘનશ્યામ મહારાજની સાથે શ્રી ધર્મપિતા અને શ્રી ભક્તિમાતા અલૌકિક સ્વરૂપમાં દર્શન આપે છે. તેમની જમણી બાજુ શ્રીજી મહારાજની સુખશૈયા છે જેમાં શ્રીજી મહારાજની અંગભૂત પ્રસાદી રૂપે ભગવાનના દાંતના દર્શન થાય છે. તેમજ વસ્ત્રો, પાઘ, ચરણારવિંદ વગેરે દર્શનાર્થે મૂકવામાં આવેલ છે. મુખ્યખંડ(શ્રી કૃષ્ણ ભગવાન)ની ડાબી બાજુ ભરતખંડના રાજાધિરાજ શ્રી નરનારાયણ દેવ બિરાજીને પોતાના ભક્તોને દર્શનનું દિવ્ય સુખ આપી રહ્યા છે. તેમની ડાબી બાજુ એટલે કે મંદિરના પ્રથમ ખંડમાં ઉત્તમ કાષ્ટમાંથી બનેલ, જે હમણાં આપણી સાથે સંવાદ કરશે તેવી દિવ્ય અનુભૂતિ કરાવતા અજોડ ને દિવ્ય સ્વરૂપે શ્રી ઘનશ્યામ મહારાજ દર્શન આપીને પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. તેમજ મંદિરમાં પ્રવેશતા જ જમણી બાજુ કષ્ટભંજન શ્રી હનુમાનજી મહારાજ અને ડાબી બાજુ વિઘ્નવિનાયક શ્રી ગણપતિજી મહારાજ (શિવ પરિવાર સાથે) એક જ પથ્થરમાંથી બનેલ ભવ્ય(લગભગ ૧૫ ફૂટ ઊંચા) સ્વરૂપે દર્શન આપે છે.

જ્યાં ધર્મ મુખ્ય છે એવા આ દિવ્ય પરિસરમાં આવતા જ મનમાં એક અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે. આ મંદિરના સંસ્થાપક પ. પૂ. સનાતન ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્ય સમર્થશ્રી કુંજવિહારીપ્રસાદજી મહારાજશ્રીનો જીવનમંત્ર હતો "ધર્મ પાળવો અને ધર્મ પળાવવો" અને આ જ જીવનમંત્ર તેમની પરંપરામાં આજ સુધી ચાલ્યો આવે છે. અને હાલમાં વિદ્યમાન આચાર્ય મહારાજશ્રી પ.પૂ. સનાતન ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્યશ્રી માધવેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીએ પણ આ જ જીવનમંત્ર આત્મસાત કરેલો છે.

Welcome Maharajshree Image

આપણા ઇષ્ટદેવ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વોપરી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને આપણે સૌ કોઈ તેમને સર્વોપરી માનીએ પણ છીએ. તો તેમને કરેલ દરેક આજ્ઞા પણ સર્વોપરી જ હોવી જોઈએ અને તેમની દરેક નાની મોટી આજ્ઞા પાળવી જ જોઈએ. આજ્ઞા પાલનમાં સાધન બદલાવી શકાય પણ સિદ્ધાંતમાં કોઈ બાંધછોડ શક્ય નથી કારણ કે એ સર્વોપરી ઇષ્ટદેવની કરેલ સર્વોપરી આજ્ઞા છે. એમાં ફેરફારને કોઈ સ્થાન હોય જ ન શકે એટલે આપણે સૌએ આપણા ઈષ્ટદેવની કરેલ દરેક આજ્ઞા યથોચિત પાળવી જ જોઈએ.

- પ. પૂ. ધ. ધુ. ૧૦૦૮શ્રી આચાર્યશ્રી માધવેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી

આજના દર્શન

આચાર્ય પરંપરા

આજે જ તમારા મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરો

મંત્રજાપ, મંત્રલેખન, દૈનિક દર્શન, દૈનિક સુવિચાર, સત્સંગ રમતો, નિર્ણય, શ્રી રાધાકૃષ્ણદેવ યુવક મંડળ, આચાર્ય પરંપરા તેમજ બીજું પણ ઘણું બધું એક જ એપ્લિકેશનમાં હોય એવી સંપ્રદાયની એકમાત્ર મોબાઈલ એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરો.

App Store Image Play Store Image