પંચ વર્તમાન :-

જેમ કોઈ નગરના રક્ષણ માટે કિલ્લો બનાવવો પડે, ખેતરના રક્ષણ માટે તારની વાડ બનાવવી પડે તેમજ ઘરના રક્ષણ માટે દીવાલ બનાવવી પડે તેજ રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાને તેમના આશ્રિત હરિભક્તોનું કુસંગથી, દુર્જનોથી, ભૂંડા દેશકાળથી અને અંત:શત્રુથી રક્ષણ થાય અને હરિભક્તોનું અંત:કરણ હંમેશા શુદ્ધ રહે તથા વિષય-વ્યસનનો પાશ ન લાગે તથા હરિભક્તોને પોતાના અક્ષરધામમાં લઇ જવાય તે માટે વજ્રનો કિલ્લો બનાવ્યો. આ વજ્રનો કિલ્લો તે શું છે ?

શ્રી સ્વામિનારાયણ ભગવાને આ વજ્રના કિલ્લારૂપી પંચ વર્તમાન પ્રવર્તાવ્યા. દારૂ, માટી, ચોરી, અવેરી અને વટલવું-વટલાવવું. આ પાંચેયથી દુર રહેવું. આ પાંચ નિયમોનું પાલન નૈતિક અને આધ્યાત્મિક જીવનના પાયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભળવું હોય તેમને આનું પાલન કરવું ફરજીયાત છે એવી કેડી કંડારી.

દારૂ :- દારૂ, શરાબ, સુરા, કેફી દ્રવ્યો, કેફી પીણાં તો ન જ લેવાય પરંતુ ગાળ્યા વિનાનાં દૂધ, પાણી, ઘી અને તેલ વગેરે વાપરવા એ પણ દારૂ પીધાં જેવું જ દોષિત છે એવું મનાવ્યું. બજારુ વસ્તુઓ ખાવી-પીવી નહિ.

માટી :- માટી એટલે માંસ. કોઈ પણ પ્રકારે માંસ ન ખાવું. જેમાં સુક્ષ્મ જંતુઓ હોય એવા પદાર્થો, કીડી-મકોડા-ધનેડાં-ઈયળો વિગેરેથી યુક્ત શાક-ભાજી, અનાજ-લોટ, મસાલા વિગેરેનું ભક્ષણ ન કરવું. એ ખાવાથી પણ માંસભક્ષણનો દોષ લાગે છે. શુદ્ધ અને સાત્વિક, લસણ-ડુંગળી-હિંગ વિગેરે નિષિદ્ધ પદાર્થો રહિત ભક્તિ ભાવપૂર્વક બનાવેલું ભોજન કરવું.

ચોરી :- હક્ક વિનાનું પરધન લેવું તે ચોરી કહેવાય. ચોરીના અનેક પ્રકાર છે. પડાવીને, છેતરીને, જોહુકમીથી, છળથી, ફોસલાવીને પણ કોઈનું દ્રવ્ય લેવું તે પાપ છે. ન્યાય અને નીતિથી મેળવેલું દ્રવ્ય જ હક્કનું કહેવાય. વીજચોરી, કરચોરી કે બે નંબરના ચોપડાં રાખવા એ પણ ચોરી જ છે. સૌથી મોટી ચોરી મનની છે. મનમાં થયેલાં ખોટાં વિચારો જો પોતાના ગુરુ કે સંતને ન કહી શકીએ તો પણ આપણે ચોર છીએ. તેમજ પોતાની આવકનો દશમો-વીસમો ભાગ જો શ્રીહરિને અર્પણ ન કરીએ તો તે ચોરી જ છે.

અવેરી :- અવેરી એટલે વ્યભિચાર. પોતાની પત્ની સિવાય અન્ય કોઈ પણ સ્ત્રીનો કામભાવે સંકલ્પ કરવો તે પુરુષનો વ્યભિચાર છે. તેમજ પોતાના પતિ સિવાય કોઈ પણ પુરુષનો કામભાવે સંકલ્પ કરવો તે સ્ત્રીનો વ્યભિચાર છે. અન્ય સ્ત્રી મા-બેન-દીકરી તુલ્ય છે. અન્ય પુરુષ પિતા-ભાઈ કે પુત્ર તુલ્ય છે. આજ રીતે પોતાના ઇષ્ટદેવ ભગવાનની નિષ્ઠામાં ક્ષતિ, શંકા કે દુર્લક્ષ એ પણ વ્યભિચાર જ ગણાય.

વટલવું-વટલાવવું :- પોતાને જેના હાથનું અન્ન જળ ન ખપતું હોય તેનું ખાવું નહિ અને પોતાનું જેને ન ખપતું હોય તેને દગા-કપટ કે જુઠ્ઠું બોલીને ખવડાવવું નહિ. અયોગ્ય રીતે તૈયાર થયેલું ભોજન ન જમવું. આમ પાત્ર દુષિત, દ્રષ્ટિ દુષિત, ક્રિયા દુષિત, અને ભાવ દુષિત ભોજન તથા પાણીનો ત્યાગ આ પણ ખુબ જરૂરી છે.

આવી જ રીતે સાધુ/સંતો ના પંચ વર્તમાન પ્રવર્તાવિયા. નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન. આ પંચ વર્તમાન માં જે સાધુ/સંતો રહે તેને કોઈ પ્રકારે કાળ, કર્મ અને માયા બંધન કરી શકે નહિ.

શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલા આ પંચ વર્તમાન આચાર્ય, સાધુ, ગૃહસ્થ અનુયાયીઓ તમામને પાળવા જરૂરી છે. અરે! માનવ માત્ર આનું પાલન કરવાથી સદાચારી બનશે. જગતમાં મોટા ભાગનો કલહ, કંકાશ અને પ્રશ્નો આ સદાચારનું પાલન કરવાથી નિવૃત્ત થઇ જશે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્થાપેલા પંચ વર્તમાનના નિયમનું પાલન કરવાથી જીવાત્માને કુસંગ, ભૂંડા દેશકાળ અને વિષય-વાસના પરાભવ કરી શકે નહિ અને માયાના બંધનમાંથી છૂટીને આ ને આ જન્મે ભગવાનના ધામને જ પામે. માટે જેને ભગવાનના ધામમાં જવું હોય તેને પંચ વર્તમાન રૂપી મર્યાદા પાળવી જોઈએ કે’તા પંચ વર્તમાન દ્રઢ કરીને રાખવા જોઈએ.

વચનામૃતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે જે સાધુ કે હરિભક્ત પંચ વર્તમાનમાં રહીને ભગવાનની પૂજા કરશે તેની પૂજા અમો પ્રત્યક્ષપણે સ્વીકાર કરીશું અને તેની ઉપર અમો સર્વ પ્રકારે રાજી થઇશું. અને સાથે સાથે વચન આપ્યું છે કે આમારી બાંધેલ પંચ વર્તમાનરૂપી મર્યાદામાં જે સાધુ કે હરિભક્ત રહેશે તેને અમો અંતકાળે તેડવા આવશું અને અમારી સેવામાં અખંડ રાખશું.

આજે જ તમારા મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરો

મંત્રજાપ, મંત્રલેખન, દૈનિક દર્શન, દૈનિક સુવિચાર, સત્સંગ રમતો, નિર્ણય, શ્રી રાધાકૃષ્ણદેવ યુવક મંડળ, આચાર્ય પરંપરા તેમજ બીજું પણ ઘણું બધું એક જ એપ્લિકેશનમાં હોય એવી સંપ્રદાયની એકમાત્ર મોબાઈલ એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરો.

App Store Image Play Store Image