ભગવાન શ્રી સ્વામિનારાયણ (૨ એપ્રિલ ૧૭૮૧- ૧ જુન ૧૮૩૦) “શ્રી સહજાનંદ સ્વામી મહારાજ”, “શ્રી નીલકંઠવર્ણી”, “શ્રી ઘનશ્યામ મહારાજ”, “શ્રી હરિકૃષ્ણ મહારાજ” તરીકે પણ ઓળખાય છે.

ભગવાન સ્વામિનારાયણનો જન્મ સને ૧૭૮૧ માં છપૈયા (યુપી – ભારત) માં સરયુપારી બ્રાહ્મણ શ્રી હરિપ્રસાદ (ધર્મદેવ) અને બાળા (ભક્તિદેવી) ને ત્યાં થયો. તેઓના ચાર નામ પાડવામાં આવ્યા હતા: 'હરિ', 'કૃષ્ણ', 'હરિકૃષ્ણ' અને 'નિલકંઠ'. તેમનું હુલામણું નામ તેમના વર્ણને અનુરૂપ 'ઘનશ્યામ' પડ્યું. સને ૧૭૯૨માં સમગ્ર ભારતની સાત વર્ષની યાત્રામાં શરૂ કરી હતી. આ યાત્રા માં તેઓ નીલકંઠવર્ણીના નામે પ્રસિદ્ધિને પામ્યા. સને ૧૭૯૯ આસપાસ ગુજરાતમાં સ્થાયી થયા હતા. સને ૧૮૦૦ માં ગુરુ સ્વામી રામાનંદ દ્વારા ઉદ્ધવ સંપ્રદાયની મહાદીક્ષા પામી “સહજાનંદ સ્વામી” નામથી ખ્યાતિને પામ્યા.

ઉદ્ધવજીના અવતાર શ્રી રામાનંદ સ્વામીએ શ્રી હરિને પોતાના ઉત્તરાધિકારી તરીકે ગાદી સોંપી. રામાનંદ સ્વામીના અક્ષર વાસ પછી સહજાનંદ સ્વામીએ “સ્વામિનારાયણ મહામંત્ર” નો ઉદઘોષ કર્યો. આ કારણે તેઓ “સ્વામિનારાયણ ભગવાન” (પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ) તરીકે જાણીતા બન્યા અને ઉદ્ધવ સંપ્રદાય પણ “સ્વામિનારાયણ સંપ્રદાય” તરીકે પ્રસિદ્ધ થયો.

વચનામૃતમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન ‘સ્વામિનારાયણ સંપ્રદાય’ માં ગુરુ પરંપરા નું મહત્વ સમજાવે છે.

રામાનંદ સ્વામી શ્રી ઉદ્ધવના અવતાર હતા, અને તેમણે શ્રી સ્વામિનારાયણ ભગવાનને વૈષ્ણવી દીક્ષા આપેલ હતી. તેથી રામાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ છે.

વડતાલમાં પ્રબોધિની એકાદશી (સંવત ૧૮૮૨) ના રોજ શ્રીજી મહારાજે ધર્મદેવના વંશના જ પોતાના ભત્રીજાઓ શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ અને શ્રી રઘુવીરજી મહારાજને દત્તક લીધા. અને ત્યારબાદ સત્સંગની અવિરત પરંપરા ચાલુ રહે તે માટે એ ધર્મવંશના જે યોગ્ય ધર્મ પાળી શકે અને પળાવી શકે તેવા પોતાના પુત્રો અથવા ધર્મદેવના વંશજ ભાઈઓના પુત્રોને જ ગાદી સોંપવી એવો નિયમ કર્યો.

ગુરુ પરંપરા (વંશ):-

 • પ.પૂ. ધ.ધુ. આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ
 • પ.પૂ. ધ.ધુ. આચાર્યશ્રી કેશવપ્રસાદજી મહારાજ
 • પ.પૂ. ધ.ધુ. આચાર્યશ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ
 • પ.પૂ. ધ.ધુ. આચાર્યશ્રી કુંજવિહારીપ્રસાદજી મહારાજ
 • પ.પૂ. ધ.ધુ. આચાર્યશ્રી રાજેન્દ્રપ્રસાદજી મહારાજ
 • પ.પૂ. ધ.ધુ. આચાર્યશ્રી વિરેન્દ્રપ્રસાદજી મહારાજ
 • પ.પૂ. ધ.ધુ. આચાર્યશ્રી માધવેન્દ્રપ્રસાદજી મહારાજ – વિદ્યમાન આચાર્યશ્રી – વઢવાણ

પ.પૂ. ધ.ધુ. વિદ્યમાન આચાર્ય મહારાજશ્રી હંમેશા ઉમદા, શાંતિપૂર્ણ અને બધા તરફ પ્રેમાળ છે. પ.પૂ. ધ.ધુ. વિદ્યમાન આચાર્ય મહારાજશ્રી યુવાન પેઢીમાં ચારિત્ર્ય અને સદગુણોનું સિંચન કરવામાં સતત કાર્યરત છે. બાળકો અને યુવાનો જીવનમાં કુસંગ અને વિપરીત દેશકાળ રૂપ ભયંકર મોજાઓનો સામનો કરી મોક્ષના અધિકારી બની શકે તે માટે સંસ્કાર અને સદગુણોનું સિંચન કરવા પ.પૂ. ધ.ધુ. વિદ્યમાન આચાર્ય મહારાજશ્રી હંમેશા તત્પર છે.

શ્રી રાધાકૃષ્ણ દેવ યુવક મંડળ (SRKDYM) :-

પ.પૂ. ધ.ધુ. વિદ્યમાન આચાર્ય મહારાજશ્રીની અમીદ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ અને તેમના જ અધ્યક્ષ સ્થાને તારીખ ૦૯/૦૧/૨૦૧૧ ના રોજ શ્રી રાધાકૃષ્ણદેવ યુવક મંડળ (SRKDYM) ની સ્થાપના કરવામાં આવી અને વર્ષ ૨૦૧૧ને “યુવા વર્ષ” તરીકે ઉજવવાની પૂ. મહારાજશ્રીએ આજ્ઞા કરી. એ અનુસંધાને પૂ. મહારાજશ્રી સ્વયં પૂ. સંતો અને યુવાનો સાથે મળીને ગામડે ગામડે જઈ ને યુવક મંડળની સ્થાપના અંતર્ગત સભાઓ કરી હજારો યુવાનોને પ્રોત્સાહિત કરીને તેમના અંતરમાં ભગવાનની ભક્તિના બીજ અંકુરિત કરીને ભગવાનની ભક્તિ તરફ અગ્રેસર કર્યા. અને હરિભક્તોને ભગવાન તરફ શ્રદ્ધા વધે અને ભગવાનનો મહિમા સમજાય એવા શુભ હેતુથી માર્ચ ૨૦૧૧માં હજારો હરિભક્તો સાથે વઢવાણ ધામથી ભગવાન શ્રી હરિએ સ્વહસ્તે પધરાવેલ ભુજનગરમાં બિરાજતા શ્રી નરનારાયણ દેવના દર્શનાર્થે પગપાળા યાત્રા પ્રવાસ (પદયાત્રા) નું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં હજારો હરિભક્તો અને સંતો સાથે પૂ. મહારાજશ્રી સ્વયં અને પૂ. ગાદીવાળા માતુશ્રીએ પણ પગપાળા ભુજ નગર સુધી ચાલીને દેવના દર્શનનો લાભ લઈને હરિભક્તોને પણ ઉત્સાહિત કરી એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું. આવી રીતે અનેકવિધ કાર્યક્રમો સાથે ૨૦૧૧નું યુવા વર્ષ ઉજવીને હજારો યુવાનોને સદ્ માર્ગે પ્રવૃત્ત કર્યા.

આવી જ રીતે વર્ષ ૨૦૧૨ને “વ્યસનમુક્તિ” વર્ષ તરીકે ઊજવવાની પૂ. મહારાજશ્રીની આજ્ઞા થતાં પૂ.સંતો અને હરિભકતો યુવાનોએ અનેકવિધ કાર્યક્રમો દ્વારા તેમજ સ્વયં પૂ. મહારાજશ્રીએ પણ પૂ.સંતો અને હરિભકતો યુવાનો સાથે મળીને ૧૪૦થી વધુ ગામોમાં સત્સંગ સભાઓ કરીને હજારો અબાલવૃદ્ધ, યુવાન ભાઈઓ તથા બહેનોને તેમનામાં રહેલા વ્યસન તથા દૂષણ રૂપ જે કામ, ક્રોધ, લોભ, મોહ ટાળીને ભગવાન પરાયણ બનાવ્યા. આજે પણ યુવક મંડળ અને સંપ્રદાયમાં અનેક એવા દાખલાઓ છે જેમણે પૂ. મહારાજશ્રીના આગ્રહને આશીર્વાદથી વ્યસન મુક્ત બનીને નિર્વ્યસની, સુખમય અને ધર્મમય જીવન વ્યતિત કરી રહ્યા છે જે પૂજ્ય મહારાજશ્રીની યુવાનો પ્રત્યેની લાગણીનું પ્રતિબિંબ છે.

અલગ-અલગ વર્ષની ઉજવણીની પરંપરાને આગળ વધારતા શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી હરિએ ઉત્સવો ઊજવવાની કરેલી આજ્ઞા મુજબ વધારેમાં વધારે હરિભક્તો ઉત્સવનો મહિમા સમજીને શિક્ષાપત્રીની આજ્ઞા મુજબ નાના મોટા ઉત્સવો પોતાના ગામના હરિભક્તો સાથે મળીને ઉજવતા થાય અને એ રીતે સત્સંગ તરફ વધારેમાં વધારે પ્રવૃત્ત થાય એવા શુભ હેતુથી પૂ. મહારાજશ્રીએ વર્ષ ૨૦૧૩ને “ઉત્સવ વર્ષ” તરીકે ઉજવવાની આજ્ઞા કરી.

આ ઉત્સવ વર્ષ અનુસંધાને ગામડે ગામડે ભગવાન સંબંધી નાના નાના ઉત્સવો, સત્સંગ સભાઓ અને રાસ ઉત્સવોના અનેકવિધ દિવ્ય આયોજનો કરવામાં આવ્યા. જેમાં લાખો હરિભક્તોએ ભાગ લઈને પોતાના જીવનનો એક દિવ્ય લાભ લઈને જીવન ધન્ય બનાવ્યું અને આજ કડીને આગળ વધારતા વઢવાણ ધામથી શ્રીજી મહારાજે સ્વહસ્તે પધરાવેલ જુનાગઢ ધામમાં બિરાજી દર્શન આપતા શ્રી રાધારમણ દેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવની પગપાળા યાત્રા (પદયાત્રા)નું નવેમ્બર ૨૦૧૩માં અદ્ભુત આયોજન કરવામાં આવ્યું આ પદયાત્રામાં પણ હજારોની સંખ્યામાં પૂ.સંતો, હરિભક્તો, ભાઈઓ તથા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને દેવદર્શનનો અલભ્ય લાભ લીધો સાથે સાથે ભુજ પદયાત્રાની જેમ જ પૂ. મહારાજશ્રી અને પૂ. માતુશ્રીએ હરિભક્તો સાથે રહીને પગપાળા જ શ્રી રાધારમણ દેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવના દિવ્ય દર્શનનો લાભ લઈને હરિભક્તોમાં ઉત્સાહનો દિવ્ય સંચાર કર્યો અને ઉત્સવ વર્ષની ઉજવણીના ભાગરૂપે જ્યાં પણ રાત્રે રોકાણ હોય ત્યાં ત્યાં ભગવાન સંબંધી અનેક વિધ નાના ઉત્સવોની ઉજવણી કરવામાં આવી. આવી રીતે ઉત્સવ વર્ષની ઉજવણી કરીને હરિભક્તોમાં ઉત્સવોનું મહત્વ સમજાવીને ભગવાનની ભક્તિ અને ધર્મનું દિવ્ય પ્રવર્તન કરાવ્યું.

આવી જ રીતે પૂ. મહારાજશ્રીના અધ્યક્ષ પદે અને પૂ. લાલજી મહારાજશ્રીના ઉપાધ્યક્ષ પદે યુવક મંડળની પ્રવૃતિને આગળ વધારતા વર્ષ ૨૦૧૪ને “જ્ઞાન સત્ર” વર્ષ તરીકે ઉજવવાની પૂ. મહારાજશ્રીએ આજ્ઞા કરી અને હરિભક્તોમાં ખાસ કરીને યુવાનોમાં જ્ઞાનનો વધારો થાય અને ભગવાનનો નિશ્ચય દૃઢ બને એવા હેતુથી પૂ. મહારાજશ્રી તથા પૂ.સંતો તેમજ યુવાનો સાથે મળીને ગામડે ગામડે ગ્રુપ બનાવીને એરિયા મુજબ શિબિરોનું સુંદર આયોજન કરવામાં આવ્યું અને આ તમામ શિબિરોમાં મોટી સંખ્યામાં યુવાનો હરિભક્તોએ લાભ લઈને પોતાના ભગવાન સંબંધી શાસ્ત્રોક્ત જ્ઞાનમાં વધારો કરીને ભગવાનના સ્વરૂપનો દ્રઢ આશ્રય કર્યો

અને આ જ પ્રવૃત્તિને આગળ વધારતા વર્ષ ૨૦૧૫માં આપણા સંપ્રદાયનું મુખ્ય ધર્મશાસ્ત્ર શિરોમણી એવું શ્રીમદ્ સત્સંગીજીવન મહાપુરાણની તેના મૂળ સ્વરૂપે એક માસની સમૂહ પારાયણ કરવામાં આવી અને સાથે સાથે હોમાત્મક સમૂહ મહાપૂજાનું પણ દિવ્ય આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં પણ મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લઈને સત્સંગીજીવનના મહાત્મ્ય ભાગમાં જે વિધિથી એક માસની પારાયણ કરવાનું કહેલું છે તે જ વિધિથી એક માસની શ્રીમદ્ સત્સંગીજીવનની પારાયણનો અને સંપ્રદાયમાં પ્રસિદ્ધ હોમાત્મક મહાપૂજાનો પણ અભૂતપૂર્વ લ્હાવો મેળવીને પોતાના જીવનને મોક્ષપથ પર અગ્રેસર કર્યું.

વર્ષ ૨૦૧૬માં યુવક મંડળ (SRKDYM)ની સ્થાપનાને પાંચ વર્ષ પૂર્ણ થતા હોય એના અનુસંધાને શ્રી રાધાકૃષ્ણદેવ યુવક મંડળના ઉત્સાહી યુવાનો દ્વારા મંડળના ઉપાધ્યક્ષ અને યુવાનોના પ્રેરણાસ્ત્રોત એવા પ.પૂ. ૧૦૮શ્રી ભાવિ આચાર્યશ્રી હ્રદયેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીનો નવમો જન્મોત્સવ ધાંગધ્રા ખાતે ન ભૂતો ન ભવિષ્યતી જેવો ઉજવવામાં આવ્યો. આ જન્મોત્સવની શોભાયાત્રામાં પૂ. મહારાજશ્રી સાથે પૂ. લાલજી મહારાજશ્રી પણ હાથીની અંબાડીએ બિરાજમાન હતા અને લગભગ 4 કિલોમીટર લાંબી શોભાયાત્રામાં ૨૫૦ થી વધારે અશ્વ, ઉંટ, ઘોડાગાડી, ઊંટ ગાડી, બળદગાડું, ટ્રેક્ટર વગેરે જોડાયેલા હતા તેમજ ૧0૮ મોટરકાર ૧00૮ બાઈક અને લાખો હરિભક્તો પગપાળા પણ આ શોભાયાત્રાનો હિસ્સો હતા.

સત્સંગ પ્રવૃત્તિની આ પરંપરાને આગળ વધારતા પૂ. મહારાજશ્રી દ્વારા વર્ષ ૨૦૧૭માં ઓગસ્ટ મહિનામાં શિક્ષાપત્રી શ્લોક નંબર ૯૨ "અને કયારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઇ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું" માં દર્શાવ્યા મુજબ હરિભક્તોના જીવનમાં જાણે-અજાણે થતા પાપના નિવારણ અર્થે શ્રીમદ્ સત્સંગીજીવન પંચમ પ્રકરણ અધ્યાય ૪૩ થી ૪૬માં બતાવેલ વિધી અનુસાર પ્રાયશ્ચિત મહાપર્વનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રાયશ્ચિત મહાપર્વ ૧૨ દિવસ સુધી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂ. મહારાજશ્રીની પાવન ઉપસ્થિતિમાં સંપૂર્ણપણે શાસ્ત્રોકત વિધિથી મુખ્ય ક્લ્પથી કરવામાં આવ્યું. પ્રાયશ્ચિત વિધિના અંતમાં કરવાનું થતું દાન પણ મુખ્ય કલ્પથી (ઉદાહરણ તરીકે જેટલું સુવર્ણનું દાન કરવાનું શાસ્ત્રોમાં લખ્યું હોય તે મુજબ જ સુવર્ણ લેવાનું એવી જ રીતે તમામ વસ્તુઓ શાસ્ત્રમાં લખ્યા મુજબના માપ લેવાની) થી કરવામાં આવ્યું અને પ્રાયશ્ચિત વિધિની પુર્ણાહુતીના ભાગરૂપે તીર્થયાત્રા કરવાની થતી હોય પૂ. મહારાજશ્રી, પૂ. લાલજી મહારાજશ્રી અને પૂ. માતુશ્રીના દિવ્ય સાનિધ્યમાં હજારો હરિભક્તોએ ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજના દિવ્ય દર્શન કરી અને ઉન્નત ગંગાસ્નાન કરીને પોતાના જીવનની સાથે પોતાના દેહને પણ પવિત્ર કરીને આ પ્રાયશ્ચિત મહાપર્વની પૂર્ણાહુતિ કરી.

ઉત્સવ અને તીર્થયાત્રાની આ પરંપરાને આગળ વધારતા વર્ષ ૨૦૧૮ના એપ્રિલ માસમાં પૂ. મહારાજશ્રી દ્વારા યુવક મંડળના ઉત્સાહ યુવાનોના આયોજન હેઠળ શ્રી હરિના દિવ્ય ચરણાંકિત દિવ્ય સોરઠ ભૂમિમાં આવેલા તીર્થ સ્થાનોમાં જે સંપ્રદાયમાં પંચતીર્થી તરીકે પ્રસિદ્ધ છે તે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ પંચતીર્થી યાત્રામાં મોટી સંખ્યામાં (૧૬ થી વધારે લક્ઝરી બસો દ્વારા) હરિભક્તો ભાઇઓ તથા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને પૂ. મહારાજશ્રીના દિવ્ય સાનિધ્યમાં પૂ. સંતોના મુખે જે તે તીર્થ સ્થાનનો મહિમા સાંભળીને અહોભાવ પૂર્વક સમગ્ર સોરઠ ભૂમિ તેમજ દ્વારકા મહાતીર્થના દર્શનનો અલભ્ય લાભ લીધો. આ યાત્રાનું સમાપન આપણા સર્વના આરાધ્ય ઇષ્ટદેવ વઢવાણ ધામમાં બિરાજતા શ્રી રાધાકૃષ્ણદેવ, શ્રી હરિકૃષ્ણમહારાજ, શ્રી ધર્મભક્તિ, શ્રી બાલસ્વરુપ ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ અને શ્રી ઘનશ્યામ મહારાજના દિવ્ય દર્શન કરીને કરવામાં આવ્યું.

વર્ષ ૨૦૧૯માં શ્રીજી મહારાજની પરાવાણી એવો મહામૂલો અને સત્સંગીઓના જીવનપથમાં દીવાદાંડીરૂપ વચનામૃત ગ્રંથના બસો વર્ષ (પ્રથમ વચનામૃત સંવત ૨૦૭૬ ના માગશર સુદ ચોથના દિવસે લખાયેલ છે) પૂર્ણ થતા પ.પૂ. મહારાજશ્રીએ આ વર્ષને વચનામૃત દ્વિશતાબ્દી વર્ષ તરીકે ઉજવવાની આજ્ઞા કરેલ છે. એના અનુસંધાને વઢવાણ ધામથી વર્ષ દરમિયાન ઘણા બધા કાર્યક્રમો કરીને તેની ઉજવણી કરેલ જેમાં થયેલ કાર્યક્રમો માંથી આછેરી ઝલક નીચે મુજબ છે.

 1. આ દ્વિશતાબ્દી વર્ષની ઉજવણીની શુભ શરૂઆત કરવાની ઝાલાવાડના હરિભક્તોને આજ્ઞા કરેલ અને ઝાલાવાડના હરિભક્તોએ આ આજ્ઞાને શિરે ચડાવીને આ ઉત્સવની શરૂઆત કરવા માટે ઝાલાવાડ સત્સંગી સમસ્ત દ્વારા સોલડી ગામને આગણે તારીખ ૨૨/૦૨/૨૦૧૯ ને શુક્રવારથી તારીખ ૨૬/૦૨/૨૦૧૯ ને મંગળવાર સુધી પંચદિનાત્મક વચનામૃતમ્ મહોત્સવ(પંચદિનાત્મક વચનામૃત કથા પારાયણ)નું ભવ્ય આયોજન કરવામાં આવેલ. તેના વક્તા પદે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પહેલી વખત પૂજ્ય મહારાજશ્રીએ બિરાજીને શ્રીજી મહારાજના કૃપા વાક્યોના મૂળ સિદ્ધાંત સાથે અદભુત કથામૃતનું પાન કરાવેલ.
 2. સાથે સાથે હરિભક્તોમાં પણ વિશેષ ભજન થાય તેવા શુભ હેતુથી નીચે મુજબના નિયમો હરિભક્તો માટે નક્કી કરેલ અને ગત વસંત પંચમીની સભામાં તેની જાહેરાત કરેલ.
  • ૨૦૦૦ વચનામૃત પારાયણ
  • ૨૦૦૦ મંત્ર લેખન ની બુકો
  • ૨૦૦૦૦ જનમંગલ સ્તોત્ર અને નામાવલી પઠન
  • ૨૦૦૦૦૦ મંત્ર જપ માળા કરવી
  • ૨૦ લાખ મહામંત્ર નો જાપ
  જણાવતા વિશેષ આનંદ થાય છે કે ઉપરોક્ત નિયમો હરિભક્તો દ્વારા સ્વીકારીને લગભગ દસ ગણાથી પણ વધારે પૂર્ણ કરેલ છે જે હરિભક્તોની શ્રદ્ધા અને ઉમંગની સાક્ષી રૂપ છે.
 3. વર્ષ દરમિયાન જ્યારે પણ કોઈપણ ગામના હરિભક્તોના આમંત્રણને માન આપીને પૂજ્ય મહારાજ શ્રી પધારેલા હોય તેવી દરેક સભામાં પૂ. મહારાજશ્રીએ વચનામૃત કથાનું જ રસપાન કરાવેલ.
 4. એથી વિશેષ શ્રાવણ માસમાં પૂ. મહારાજશ્રીએ લગભગ ૪૭૦૦ કિલોમીટરનો પ્રવાસ કરીને નાદુરસ્ત તબિયત હોવા છતાં વરસતા વરસાદમાં પણ ગામડે ગામડે વચનામૃતની ૫૭ થી વધારે સભાઓ કરીને પોતાના હરિભક્તોની સુખાકારી માટે વચનામૃત કથાનું અદભુત અને અવર્ણનીય કથા રસપાન કરાવેલ.

આ સભાઓમાં વઢવાણ મંદિરના ધર્મકુળ આજ્ઞાવર્તી સંતો પૂ.સદ્. નિરન્નમુકતદાસજીસ્વામી, પૂ.સદ્. ધર્મચરણદાસજી સ્વામી, પૂ. હરિદાસજી સ્વામી, પૂ. નિર્મળદાસજી સ્વામી, પૂ. પાર્ષદ પોપટભગત વગેરેએ અનોખા ઉત્સાહ સાથે દરેક સભામાં હાજરી આપીને હરિભક્તોને વચનામૃત કથાનો લાભ પ્રદાન કરેલ એ પણ નોંધનીય છે.

અને આ વચનામૃત જયંતિ દ્વિશતાબ્દી વર્ષની ઉજવણીના સમાપનના ભાગરૂપે પૂ. મહારાજશ્રીની આજ્ઞાથી એક અનોખો અને અલૌકિક કાર્યક્રમ ધનુર્માસ પર્યંત ૨૮ દિવસનો રાખવાનું નક્કી કરેલ. હરિભક્તો યુવાનોની અલગ અલગ ચાર ટીમ બનાવીને તેમના દ્વારા જ અલગ અલગ ૨૧ ગામોમાં શાક ઉત્સવ સાથે સત્સંગ સભાનું દિવ્ય આયોજન થયેલ. જેમાં છેલ્લે વઢવાણ ધામમાં તારીખ ૧૦ જાન્યુઆરી શુક્રવારથી તારીખ ૧૨ જાન્યુઆરી રવિવાર સુધી ત્રણ દિવસનો ભવ્યાતિભવ્ય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અને મહા શાકોત્સવ રાખવાનું આયોજન કરવામાં આવેલ હતું. આ વર્ષ દરમિયાન વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત થયેલા અનેકવિધ કાર્યક્રમોમાં અસંખ્ય હરિભક્તોએ ભાગ લઈને વચનામૃતમાં શ્રીજી મહારાજે કહેલા કૃપાવાક્ય યથાર્થ સમજીને જીવનને ધન્ય બનાવ્યું.

વર્ષ ૨૦૨૦ - ૨૦૨૧

આ બે વર્ષ દરમિયાન વિશ્વને કોરોના નામક વૈશ્વિક મહામારીએ ભરડામાં લીધું હતું. આવા કપરા કાળમાં પણ શ્રી સ્વામિનારાયણ મંદિર વઢવાણ અને શ્રી રાધાકૃષ્ણદેવ યુવક મંડળ લોકોની સાથે રહીને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરેલ. વિશ્વભરમાં ફેલાયેલ કોરોના નામક વૈશ્વિક મહામારીમાં આપણા માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા કોરોનાને ભારતમાં ફેલાતો રોકવા માટે ૨૫ માર્ચ થી સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલું. આ લોકડાઉન દરમ્યાન પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮શ્રી આચાર્યશ્રી માધવેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞાથી તથા તેમની સીધી દેખરેખ નીચે સરકારશ્રી તથા પ્રશાસનની સાથે રહીને શ્રી સ્વામિનારાયણ મંદિર વઢવાણ ધામ દ્વારા કરવામાં આવેલ સેવાકીય પ્રવૃત્તિઓની આછેરી ઝલક નીચે મુજબ છે.

 • લોકડાઉન દરમ્યાન વઢવાણ શહેર તથા આજુબાજુના ગામડાઓમાં જરૂરિયાત મંદ લોકો ને ઘરે - ઘરે જઈને કિટનું (ઘઉં ૫ કિલો, ચોખા ૫ કિલો, ખાંડ ૧ કિલો, મગદાળ ૧ કિલો, ચણાદાળ ૧ કિલો, તુવેરદાળ ૧ કિલો, ગોળ ૧ કિલો, તેલ ૧ લીટર, મરચું ૨૫૦ ગ્રામ, હળદ૨ ૨૫૦ ગ્રામ, મીઠું પ૦૦ ગ્રામ, ગરમ મસાલો ૫૦ ગ્રામ, માસ્ક ૧ નંગ, સેનેટાઈઝર ૧૦૦Ml, સાબુ 1 નંગ) = 1 કિટ ) સંપૂર્ણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.
 • લોકડાઉન દરમ્યાન શ્રી સ્વામિનારાયણ મંદિર વઢવાણ ધામ દ્વારા વઢવાણ શહેર તથા આજુબાજુના ગામડાઓમાં જરૂરિયાતમંદ લોકોને ૫૦ મણ ઘઉં તથા ૨૦ મણ ચોખાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું.
 • વઢવાણ શહેરમાં અન્ય સેવાભાવી સંસ્થા કે સંગઠન કે નાગરિકો દ્વારા ચાલતા ભોજન કેમ્પમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વઢવાણ ધામ તરફથી દરરોજની જરૂરીયાત મુજબની તમામ છાસ પુરી પાડવામાં આવી.
 • બ્લડ બેંકની લોહીની જરૂરિયાતને પૂરી પાડવા માટે પૂ. મહારાજશ્રીની આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ મંદિર વઢવાણ ધામ આશ્રિત ગામોગામના SRKDYM ના યુવાનો દ્વારા ૧૦ થી વધારે રક્તદાન શિબિર દ્વારા બ્લડ બેંકની લોહીની જરૂરીયાત પૂરી કરવામાં આવી.
 • શ્રી સ્વામિનારાયણ મંદિર વઢવાણ ધામ દ્વારા મંદિરના ઉતારા સરકારશ્રીને ફેસેલીટી ક્વોરેન્ટાઈન માટે સુપ્રત કરવામાં આવ્યા અને ત્યાં વિદેશમાં ભણતા આપણા જ બાળકોને વતન પરત લાવીને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા, ત્યા રહેતા તમામ વિદ્યાર્થીઓને નાસ્તો, ભોજન સહિતની તમામ સુવિધા શ્રી સ્વામિનારાયણ મંદિર વઢવાણ ધામ તરફથી વિનામૂલ્યે પુરી પાડવામાં આવી.
 • કોરોના નામક વૈશ્વિક મહામારી દરમિયાન આપણી સુરક્ષાના હેતુથી પોતાના જીવના જોખમે ફ૨જ બજાવતા પોલીસ જવાનો માટે સેનેટાઈઝર ટનલ બનાવીને વઢવાણ પોલીસ સ્ટેશનને ભેટ આપવામાં આવી.
 • અન્ય સેવાકીય સંસ્થાઓ તરફથી સરકારશ્રીને મળતી અનાજ કિટોનો શ્રી સ્વામિનારાયણ મંદિર વઢવાણ ધામ ખાતે મામલતદાર સાહેબશ્રીની સુચના મુજબ ડેપો બનાવીને તેમની સુચના મુજબ વિતરણની સેવા કરવામાં આવી.
 • સરકારશ્રીની જરૂરિયાત મુજબ કીટો બનાવીને મામલતદારશ્રીને સુપ્રત કરવામાં આવી અને તેમની સુચના મુજબ વિતરણ કરવામાં આવ્યુ.(ઘઉંનો લોટ ૫ કિલો, ચોખા ૩ કિલો, મગદાળ ૧ કિલો, ચણાદાળ ૧ કિલો, લાલ મરચું ૨૫૦ ગ્રામ, ધાણાજીરૂ ૧૦૦ ગ્રામ, હળદર ૧૦૦ ગ્રામ, ચા ૨૦૦ ગ્રામ, ખાંડ ૫ કિ.ગ્રા., તેલ ૧ લીટર, ગરમ મસાલો ૫૦ ગ્રામ = ૧ કિટ )
 • ૧૨ હજાર સેનેટાઈઝરની બોટલ તથા હોમીયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યુ.

શ્રી રાધાકૃષ્ણદેવ યુવક મંડળ નો સિદ્ધાંત ‘પ્રથમ માનવ બનો પછી ધાર્મિક’ છે.

બધા સભ્યો નિયમિત તેમના સ્થાનિક વિસ્તારોમાં મળે છે. શ્રી રાધાકૃષ્ણદેવ યુવક મંડળ યુવાનોને સારા માણસો બનવા, માનવ જીવનનના કુસંગરૂપ પડકારોનો સામનો કરી તેમના મોક્ષરુપી લક્ષ્ય હાંસલ કરવા માટે સતત પ્રયત્નશીલ છે. અને આ ધાર્મિક સભા ઘણા બધા સદગુણોની સ્ત્રોત છે જેવા કે આધ્યાત્મિક પ્રગતિ, આત્મવિશ્વાસ, ઉત્સાહ, નિષ્ઠા, સભ્યતા, શ્રદ્ધા, ખંત, વિશ્વસનીયતા, તેમના માતાપિતા, ધર્મકુળ અને ભગવાન ના પ્રીતિપાત્ર બનવું.

શ્રી રાધાકૃષ્ણદેવ યુવક મંડળ (SRKDYM) શિક્ષાપત્રી શ્લોક નંબર ૨૦૬ "અને જે અમારા આશ્રિત પુરુષ ને સ્ત્રીઓ તે જે તે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશે તે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચાર પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામશે.” પર પ્રસ્થાપિત છે.

જય શ્રી સ્વામિનારાયણ

આજે જ તમારા મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરો

મંત્રજાપ, મંત્રલેખન, દૈનિક દર્શન, દૈનિક સુવિચાર, સત્સંગ રમતો, નિર્ણય, શ્રી રાધાકૃષ્ણદેવ યુવક મંડળ, આચાર્ય પરંપરા તેમજ બીજું પણ ઘણું બધું એક જ એપ્લિકેશનમાં હોય એવી સંપ્રદાયની એકમાત્ર મોબાઈલ એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરો.

App Store Image Play Store Image