શ્રી સ્વામિનારાયણ ભગવાનના અવતારનું કારણ :-

ભાગવત, સ્કંદપુરાણ, બ્રહ્માંડપુરાણ, વિશ્વકસેન સંહિતા, વિષ્ણુધર્મોત્તર ઇત્યાદિક વ્યાસરચિત તેમજ ઋષિઓ વિરચિત શાસ્ત્રોમાં કરેલી આગાહી મુજબ

 • ૧. ધર્મની સ્થાપના કરવા
 • ૨. ભક્તિમાર્ગનું પોષણ અને સંરક્ષણ કરવા
 • ૩. પોતાના એકાંતિક ભક્તોને સામિપ્યનું સુખ આપવા
 • ૪. ધર્મ-ભક્તિ અને ઋષિ-મુનિઓને દુર્વાસાઋષિના શ્રાપથી તેમજ અસુરોના કષ્ટ થકી છોડાવવા
 • ૫. મુમુક્ષુઓને મુક્તિનો માર્ગ દેખાડવા
 • ૬. લુપ્ત થયેલા વૈદિક માર્ગને પુનઃ જીવિત કરવા
 • ૭. અક્ષરધામ જવાનો મહામાર્ગ ખુલ્લો મુકવા
 • ૮. વર્ણાશ્રમ ધર્મો અને સદાચારની સ્થાપના કરવા

આવા અનેક કાર્યો માટે અવતાર થયો છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાનનો સંક્ષિપ્ત પરિચય :-

 • નામ : હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ, નીલકંઠવર્ણી, ઘનશ્યામ, નારાયણ મુનિ, સહજાનંદ સ્વામી, શ્રીજી મહારાજ, સ્વામિનારાયણ વિગેરે
 • જન્મ : વિક્રમ સંવત ૧૮૩૭, ચૈત્ર સુદ ૯, સોમવાર, તારીખ : ૦૨-૦૪-૧૭૮૧
 • જન્મસ્થળ : ઉત્તર ભારત – કૌશલ દેશ – અયોધ્યા નજીક – છપૈયા ગામ (મામાનું ગામ)
 • વર્ણ : સરવરીયા બ્રાહ્મણ (સરયુપારી)
 • વેદ : સામવેદ
 • શાખા: કૌથુમી
 • પિતાનું નામ : દેવશર્મા (ઉર્ફે હરિપ્રસાદ પાંડે, ધર્મદેવ)(બાલશર્મા અને ભાગ્યવતીના પુત્ર)
 • પિતાની જન્મ તિથી : વિક્રમ સંવત ૧૭૯૬, કાર્તિક સુદ ૧૧
 • પિતાનું જન્મસ્થળ : ઇટાર ગામ
 • માતાનું નામ : બાલા (ઉર્ફે પ્રેમવતી, ભક્તિમાતા) (કૃષ્ણશર્મા અને ભવાનીના પુત્રી)
 • માતાની જન્મ તિથી : વિક્રમ સંવત ૧૭૯૮, કાર્તિક સુદ ૧૫
 • માતાનું જન્મસ્થળ : છપૈયા
 • ભાઈ-ભાભી: ૧. રામપ્રતાપજી - સુવાસિની ભાભી, ૨. ઈચ્છારામજી - વરિયાળીબાઈ
 • ગૃહત્યાગ દિવસ : અયોધ્યાથી ૧૧ વર્ષ, ૩ માસ, ૧ દિવસની અલ્પવયે, વિક્રમ સંવત ૧૮૪૯, અષાઢ સુદ-૧૦ની વહેલી સવારે
 • વન વિચરણ સમયગાળો : ૭ વર્ષ, ૧ માસ અને ૧૧ દિવસ
 • વન વિચરણ પૂર્ણ : વિક્રમ સંવત ૧૮૫૬, શ્રાવણ વદ ૬, લોજ ગામ, ગુજરાત
 • લોજ પધાર્યા તે સમયની ઉંમર : ૧૮ વર્ષ, ૪ માસ અને ૧૨ દિવસ
 • ગુરુ : ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી
 • દીક્ષા આપી : સદ્. શ્રી રામાનંદ સ્વામીએ
 • દીક્ષા : પીપલાણા, વિક્રમ સંવત ૧૮૫૭, કાર્તિક સુદ ૧૧
 • ઉદ્ધવ સંપ્રદાય(શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય)ની ધર્મધુરા સંભાળી : વિક્રમ સંવત ૧૮૫૮, કાર્તિક સુદ ૧૧, જેતપુર
 • સત્સંગમાં રહ્યા : ૩૦ વર્ષ, ૯ માસ અને ૧૯ દિવસ
 • સ્વધામ ગમન : વિક્રમ સંવત ૧૮૮૬, જેઠ સુદ ૧૦, ગઢપુર ધામ
 • પૃથ્વી પર રહ્યા : ૪૯ વર્ષ, ૨ માસ અને ૧ દિવસ
 • પોતાની ધર્મધુરા બે ભાઈઓના પુત્રોને દત્તક લઈને સોંપી : વિક્રમ સંવત ૧૮૮૨, કાર્તિક સુદ ૧૧, વડતાલ ધામ
 • બંને આદિ આચાર્યોના નામ : શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ (શ્રી નરનારાયણ દેવ દેશ ઉત્તર વિભાગ)
  શ્રી રઘુવીરજી મહારાજ (શ્રી લક્ષ્મીનારાયણ દેવ દેશ દક્ષિણ વિભાગ)

શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર :-

ભારત એક એવો દેશ છે જ્યાં અનેક ઋષિઓ, મુનિઓ, આર્ષદ્રષ્ટાઓ, આધ્યાત્મિક મહાપુરુષો અને યુગ પ્રવર્તક અવતારો થઇ ગયા છે, થાય છે અને ભવિષ્યમાં પણ થશે. ખુદ પરમપિતા અક્ષરધામાધિપતિ પુરુષોત્તમનારાયણ વારંવાર આ ભૂમિને ધર્મ-ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યની સ્થાપના અર્થે અવતાર ગ્રહણ કરવા પસંદ કરે છે.

આવી ભારતભૂમિના એક મહાન આધ્યાત્મિકતાને સંગ્રહ કરી યુગોથી જે ભૂમિને સમગ્ર જગત વંદી રહ્યું છે એવી અયોધ્યા નગરી અને ભગવાનશ્રી રામચંદ્રજીની જન્મભૂમિને કોણ ભૂલી શકે? એ મહાન નગરીથી નજીકમાં જ જ્યાં દશરથ મહારાજા વિગેરે રઘુવંશી રાજાઓએ જગત કલ્યાણ માટે મહાયજ્ઞો કરેલા એ મખોડા ઘાટની એકદમ નજીકમાં છપૈયા નામનું નાનકડું રમણીય અને દિવ્ય ગામ છે. એ દિવ્ય ભૂમિકાને સર્વશક્તિમાન પરમેશ્વર શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાની જન્મભૂમિ તરીકે ગ્રાહ્ય કરી. મહાન વિભૂતિ પરમ વિદ્વત્તાથી પૂર્ણ પાંડેશ્રી હરિપ્રસાદ (ઉર્ફે ધર્મદેવ) અને તેમના પતિવ્રતા ગૃહિણી પ્રેમવતી (ઉર્ફે ભક્તિમાતા)ની જુગલ જોડીને માતા પિતાનું સ્થાન આપી સંવત – ૧૮૩૭, ચૈત્ર સુદ – ૯, સોમવાર તા : ૨-૪-૧૭૮૧ના રોજ રાત્રે ૧૦ ઘડી વ્યતીત થતાં ૧૦:૧૦ કલાકે પ્રગટ થયા હતા. યોગ્ય સમયે નામકરણ થતાં આ બાળપ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાનની હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ, નિલકંઠવર્ણી, ઘનશ્યામ આવા પ્રસિદ્ધ નામથી ઓળખ થઇ. પિતા થકી વેદ વિદ્યા ભણ્યા. શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના માતા-પિતાને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી દિવ્ય ગતિ આપીને માત્ર ૧૧ વર્ષની નાની વયમાં ગૃહત્યાગ કરી ખુલ્લા પગે સાત વર્ષ સુધી વન વિચરણ અને ભારતીય તીર્થોની યાત્રા કરી. તીર્થોમાં રહેલા પ્રસિદ્ધ અને છુપા અધર્મનો વિધ્વંસ કર્યો અને તે તે સ્થળોએ મુમુક્ષુજીવોને સદુપદેશ અને સ્વપ્રભાવથી નિજાશ્રિત બનાવી મોક્ષગતિ આપી.

શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાની યાત્રાનો ૭ વર્ષ, ૧ માસ, અને ૧૧ દિવસનો સમય પૂર્ણ કરી ગુજરાતના નાનકડા ‘લોજ’ ગામે આવ્યા. ત્યાં નિલકંઠવર્ણી સ્વરૂપે સુખાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને મળ્યા. અને ત્યાંથીજ પોતાના ધ્યેય એવા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત શ્રી પુરુષોત્તમનારાયણની મહિમાયુક્ત ભક્તિ કરવાથી જીવાત્માનો મોક્ષ થાય છે એવા અચળ સિદ્ધાંતની સ્થાપનાનો પાયો નાખ્યો. ત્યારબાદ સ.ગુ.શ્રી રામાનંદ સ્વામી સાથે નીલકંઠવર્ણી નો મેળાપ થયો. વ્યાસ ભગવાને જે સિદ્ધાંત આપ્યો હતો તે જ સિદ્ધાંતને ફરી તરોતાજો કરી ‘વ્યાસસિદ્ધાંતબોધક’ નામ સિદ્ધ કર્યું. શ્રી રામાનંદ સ્વામીએ પોતાને શ્રી રામાનુજાચાર્ય દ્વારા અને વૃન્દાવનવિહારી શ્રીકૃષ્ણ ભગવાન દ્વારા પ્રાપ્ત થયેલ ધર્મધુરા અને મહામંત્રો શ્રી નિલકંઠવર્ણીને યોગ્ય સમયે આપી ‘સહજાનંદ સ્વામી’ અને ‘નારાયણ મુનિ’ આવા બે નામ આપ્યા. અને શ્રી રામાનંદ સ્વામીએ સ્વમુખે મહિમા ગાયો કે સદ્ધર્મ, સાધુ અને વેદધર્મની રક્ષા અર્થે જેમણે યુગ યુગમાં અવતાર ધારણ કરવાની વાત કરી છે તે જ ધર્મપુત્ર તરીકે આપણા ઉદ્ધાર માટે સ્વયં શ્રી પુરુષોત્તમનારાયણ શ્રી નારાયણ મુનિ સ્વરૂપે આ ભૂમિ ઉપર પધાર્યા છે. આમ ધર્મ રક્ષક ભગવાનનો આ મહાન અવતાર થયો છે તેવી જાણકારી આપી પોતે અક્ષરધામમાં પધાર્યા.

સદગુરુ પ્રાપ્ત ધર્મધુરાનું વહન કરતા શ્રી સહજાનંદ સ્વામીએ “સર્વોપરી શ્રી સ્વામિનારાયણ” મહામંત્રની ઘોષણા કરી. ઉધ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામીના શુદ્ધ સંપ્રદાયની પરંપરાથી પ્રાપ્ત સિદ્ધાંતોને દ્રઢ કરી સ્થાપવા સાધુ-સંતોને સાથે લઇ રાત-દિવસ જોયા વિના એક ક્ષણ પણ અલેખે ન જવા દઈ ગામડે ગામડે વિચરણ કરી પોતાના તત્વજ્ઞાનના મુખ્ય સિદ્ધાંતોને જન જન સુધી વેગવંતા અને ચેતનવંતા કર્યા. જીવન જીવવાની રીત અને રસમો સમજાવી અજ્ઞાન અને વહેમમાંથી સમાજને મુક્ત કર્યો. આચાર્યો અને મંદિરોની સ્થાપના કરી, ધર્મગ્રંથો લખ્યા અને લખાવ્યા, શુદ્ધ ધર્મયુક્ત સાધુઓ બનાવ્યા. શ્રી સ્વામિનારાયણ ભગવાને એક સાથે ૫૦૦ પરમહંસોને સાંપ્રદાયિક દીક્ષા આપી. પછીથી આશરે ૨૦૦૦ જેટલા નંદ સંતો અને બ્રહ્મચારીઓ કર્યા. તેમના દ્વારા સત્સંગ પ્રચાર, એકાંતિક ધર્મનું પ્રવર્તન, મહા મંદિરોનું નિર્માણ, સત્સંગ રૂપી બગીચાની દેખરેખ વિગેરે કાર્યો કરાવી સંતોને સતત પરમાર્થિક પ્રવૃત્તિમાં કાર્યરત રાખ્યા. શાસ્ત્રોનું લેખન અને સદાચારનું પાલન સંતો દ્વારા કરાવ્યું.

શ્રી સ્વામિનારાયણ ભગવાને ગરીબો માટે અન્નક્ષેત્રો ખોલ્યાં. કચડાયેલા સમાજને હાથ પકડી પગભર બનાવ્યો. કોઈ પણ જાતિ કે ધર્મના માનવને શરણે લઇ સુખી કર્યા. જેમાં – મુસ્લિમ ભક્તો મીયાંજી શેખજી, ડોસાતાઈ, સોઢી ગામની બિબડી, જૂનાગઢના નવાબ વિગેરે હતા. નીચલા વર્ગમાં – સગરામ વાઘરી, કાઠી, કોળી, જોધા ભરવાડ જેવા અનેકાનેકને ઉદ્ધાર્યા. સહુથી વિશેષ : સ્ત્રી સમાજને શિક્ષા-દીક્ષા અપાવી નારીનો ઉદ્ધાર કર્યો, ઠેર ઠેર વાવ-તળાવ ગળાવ્યા, ગરીબ બ્રાહ્મણોને જનોઈ અને આજીવિકાના સાધન અપાવ્યા, ક્રૂર જાતિને કોમળ બનાવી. જોબનપગી જેવા અનેક લુંટારાને પોતાના ભક્ત બનાવી જગતમાં શાંતિ સ્થાપી. દુષ્કાળ-પુર જેવી વિકટ પરિસ્થિતિમાં ખાસ ભોજન-અન્ન-પાણી વહેંચ્યા. દુઃખીઓને આશ્વાસન આપી આત્મહત્યાઓ અટકાવી, પતિ પાછળ સતી થવાની કુપ્રથાને તિલાંજલિ અપાવી, ભૃણહત્યા, બાળહત્યા, દીકરીઓને દૂધપીતી કરવાની કાતિલ પ્રથાઓને બંધ કરાવી. અંગ્રેજ સરકાર જેવાએ પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનને તે સમયના આશ્ચર્યકારક સમાજ સુધારક તરીકે નોંધ્યા છે જેનું લખાણ આજે પણ ઓક્ષ્ફોર્ડ યુનિવર્સીટીની લાઈબ્રેરીમાં મોજુદ છે. ગરીબોથી માંડીને ગાયકવાડ સરકાર જેવાને પણ સત્યવાત સમજાવવામાં શ્રીહરિએ ક્યારેય ખચકાટ અનુભવ્યો નથી. એવા નિડર તો એક ભગવાન જ હોઈ શકે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને સત્સંગ પ્રવર્તન દરમ્યાન અનેક લીલા-ચરિત્રો કરી અનેક મુમુક્ષુ જીવોનો મોક્ષ કર્યો અને આ મોક્ષનો માર્ગ અવિરતપણે ચાલુ રહે તે માટે શ્રી સ્વામિનારાયણ ભગવાને…..

 • (૧) આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી મુમુક્ષુ જીવો માટે મોક્ષ માર્ગ ચાલુ રહે તથા શુદ્ધ અને પવિત્ર ઉપાસના થાય તે માટે શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે મંદિરોનું નિર્માણ કરાવી પોતાના સ્વરૂપોની પ્રાણ-પ્રતિષ્ઠા સ્વહસ્તે કરી અને આ પ્રતિષ્ઠિત સ્વરૂપોમાં પોતાનો જ વાસ છે તેમ જણાવ્યુ.
 • (૨) સત્સંગની પુષ્ટિને અર્થે અને જીવાત્માને ધર્મ અને નીતિ સંબંધી અજ્ઞાનના અંધારામાંથી જ્ઞાનના પ્રકાશમાં લાવવા માટે શિક્ષાપત્રી અને શ્રીમદ્દ સત્સંગીજીવન જેવા ધર્મ-શાસ્ત્રોની રચના કરી-કરાવી.
 • (૩) ધર્મના વિકાસ, રક્ષણ અને મોક્ષની પરંપરા ચાલુ રહે એ અર્થે પોતાના ધર્મકુળમાં આચાર્યપદની સ્થાપના કરી.
 • (૪) વિક્રમ સંવત ૧૮૮૨માં વડતાલ ધામને વિષે શ્રી લક્ષ્મીનારાયણ દેવ મંદિરના પરિસરમાં અમદાવાદ શ્રી નરનારાયણ દેવ અને વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવના નામે પ્રસિદ્ધ બે ગાદી સ્થાનની સ્થાપના કરી પોતાના ભાઈઓના એક એક પુત્ર આદિ આચાર્ય પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ અને પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને આ ગાદી સ્થાનો ઉપર સ્થાપિત કર્યા.
 • (૫) આ સંપ્રદાયમાં બહેનોને પણ યોગ્ય માર્ગદર્શન, ધર્મપરાયણતા વગેરે મળી રહે તે માટે આચાર્ય-પત્નીઓને બહેનોના ગુરુસ્થાને સ્થાપ્યા.
 • (૬) આ સંપ્રદાયના વ્યવહાર માર્ગને ધ્યાનમાં રાખી સુયોગ્ય રીતે ધર્મ સંચાલન, પ્રચાર-પ્રસારના શુભ આશયથી સંવત ૧૮૮૩માં દેશ વિભાગના લેખની રચના કરી.

સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના વર્તન અને વાતો દ્વારા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને મુક્તિમાર્ગમાં નવા પ્રાણ પૂર્યા અને વૈદિક ધર્મનું સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું. ઉપરોક્ત ધર્માદિકની સનાતન વૈદિક વ્યાખ્યાઓ કરી.

ધર્મ :- શ્રુતિ(વેદ) અને સ્મૃતિઓ(ધર્મગ્રંથો) દ્વારા દર્શાવેલ સદાચારોનું પાલન કરવું તે ધર્મ છે. આવા ધર્મના પણ સ્થૂળ-સુક્ષ્મ અનેક અવાંતર ભેદો છે. આવો ધર્મ એટલે માનવનું સર્વને અનુકુળ જીવન, સર્વના સુખનો વિચાર, સર્વનું મંગળ થાય એવી ભાવના યુક્ત જીવન.

ભક્તિ :- પરમપિતા અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમનારાયણ તથા એમના અવતારો અને મૂર્તિઓમાં મહિમાએ સહિત સ્નેહ કરવો એનું નામ જ ભક્તિ. મહિમા, પ્રેમ અને સેવા ત્રણેયનો સંગમ ભગવાન સંગાથે થાય એ જ પ્રેમલક્ષણાભક્તિનું શુદ્ધ સ્વરૂપ છે.

જ્ઞાન :- આત્મા અને પરમાત્માના શુદ્ધ સ્વરૂપને તત્વથી યથાર્થ જેવા છે તેવા ઓળખવા એટલે જ્ઞાન. લૌકિક પદાર્થોના નાશવંતપણાનું અને આત્મા-પરમાત્માના અવિનાશી સ્વરૂપની સાચી ઓળખ એટલે જ્ઞાન.

વૈરાગ્ય :- ભગવાન વિના બીજે ક્યાંય પણ હેત ના કરવું એટલે વૈરાગ્ય. માયાના સર્વ પદાર્થો, શરીરો, પંચ વિષયો બધું જ વિનાશી છે એમ સમજી માયિક પદાર્થો અને માયિક સુખોમાં ક્યાંય પ્રીતિ ના થાય તે વૈરાગ્યનું શુદ્ધ સ્વરૂપ છે.

મુક્તિ :- ભગવાનના સનાતન ગોલોકધામ(અક્ષરધામ)માં જઈને અક્ષરરૂપ(બ્રહ્મરૂપ) થઈને અનાદિ અક્ષરધામાધિપતિ પુરુષોત્તમનારાયણની અખંડ સેવા કરવી એટલે મુક્તિ. જ્યાં સુધી એ સેવા ન મળે ત્યાં સુધી મુક્તિ ન થઇ કહેવાય. સાર્ષ્ટિ, સામીપ્ય, સારુપ્ય અને સાલોક્ય આ ચારેય મળે પણ ભગવત્સેવા ન મળે તો વ્યર્થ છે. અને જો ભગવત્ચરણોની સેવા નિષ્કામ ભાવે આ લોકમાં રહીને કરે તો તેને મુક્ત કહેવાય.

આજે જ તમારા મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરો

મંત્રજાપ, મંત્રલેખન, દૈનિક દર્શન, દૈનિક સુવિચાર, સત્સંગ રમતો, નિર્ણય, શ્રી રાધાકૃષ્ણદેવ યુવક મંડળ, આચાર્ય પરંપરા તેમજ બીજું પણ ઘણું બધું એક જ એપ્લિકેશનમાં હોય એવી સંપ્રદાયની એકમાત્ર મોબાઈલ એપ્લિકેશન આજે જ ડાઉનલોડ કરો.

App Store Image Play Store Image